• વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા છે, એવા મહામાનવ સરદાર.... 1. આજે સમગ્ર વિશ્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉંચાઈનો સર્વોચ્ચ કક્ષાનો રેકોર્ડ પોતાના નામે ધરીને ,નર્મદના નીર સામે અડીખમ ઊભી છે.આ વિશ્વકક્ષાની ઊંચાઈ ધરાવતી પ્રતિમા મહામાનવ સરદારને ખુબજ શોભી રહી છે. કોઈ પણ પથ્થરને પ્રતિમાનું સ્વરૂપ ધારણ કરતાં પહેલાં છીણી અને હથોડાના ઘા સહન કરવા પડે છે. કષ્ટ, ત્યાગ અને સમર્પણ ની વેલ પર જ ફળો ઝૂલતા હોય છે.પોતાના જીવનમાં અનેક મુસીબતો અને કષ્ટ સહન કરીને ભારતમાં એકતા સ્થાપિત કરી. વિશ્વની ઊંચી પ્રતિમા માટે સરદારની પ્રતિભા જવાબદાર છે. સરદારનું અખંડ ભારત માટે કરેલું ભગીરથ કાર્ય છે.1950 માં ભલે આ મહામાનવ ચિરવિદાય લઈને દુનિયા છોડી ગયા,પણ એકતા,અખંડિતતા,સંપ,સહકાર અને નીડરતા ની વાત હોય ત્યારે સર્વપ્રથમ સરદાર પટેલનું નામ હોય જ.આપણા લોકલાડીલા પ્રથમ નાયબ વડાપ્રધાન ને જર્મનીના બિસ્માર્ક સાથે તુલના કરીને સરદારને “ભારતના બિસ્માર્ક” એવી ઉપમા આપવામાં આવેલી છે.મારે આજે પ્રજાને એ પણ જણાવવું છે કે જેની સાથે સરખામણી થઈ છે એ બિસ્માર્ક કરતા પણ ઉમદા કામ આ ભારતીય લોખંડી પુરુષે કર્યું છે.બિસ્માર્ક 1862 માં જર્મનીના વડાપ્રધાન બન્યા અને 36 જેટલાં રાજ્યોનું એકીકરણ કર્યું હતું. જ્યારે સરદારે 562 રજવાડાંઓનું સમગ્ર ભરાતસંઘ સાથે જોડાણ કરીને બિસ્માર્કને પણ એકતાના શિલ્પીની હરીફાઈમાં માત આપી હતી.બિસ્માર્કે જર્મનીના એકીકરણ માટે લોહિયાળ હોળી ખેલી હતી. તે સમયના શક્તિશાળી રાજ્ય એવા પ્રશિયાના સરમુખત્યાર બિસ્માર્કે જર્મનીના રાજ્યો એકત્રિત કરવા ઘાતકી વિજય મેળવ્યો,ભારે કત્લેઆમ કરી અને આ કહેવાતા એકીકરણના નામે બિસ્માર્કે પોતે જ સમ્રાટ બની બેઠો.સરદારે આમાનું કશું જ કર્યું નથી અને 562 દેશી રજવાડાંઓ એક ભારત નીચે પ્રસ્થાપિત કર્યા.જૂનાગઢ,હૈદરાબાદમાં ના છૂટકે થોડુંક લોહી રેડાયું ખરું,પણ સરદારે આ એકીકરણની જે સિદ્ધિ હાંસલ કરી તે વિશ્વના ઇતિહાસમાં અમર થઈ ગઈ .નિષ્ઠા,નીડરતા, સેવા,સમર્પણ, સાદગી ની સર્વોચ્ચ મૂર્તિ જો શોધવી હોય તો આંગળીની દિશા સરદાર તરફી જ જાય,એમાં લેશમાત્ર પણ શંકા નથી.દેશસેવામાં જોડાયા બાદ જીવ્યા ત્યાં સુધી સરદાર પટેલ રાષ્ટ્રપિતા ગાંધીબાપુને પોતાના આદર્શ માનતા હતા અને ગાંધીબાપુના બોલેલા શબ્દોનું યથાવત પાલન થાય તે જ પોતાનું કર્તવ્ય માનતા હતા.1946 ની ચૂંટણીઓના પરિણામ પરથી કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિ કરવાની હતી અને કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત થાય એ જ કેન્દ્રીય વચગાળાની સરકારમાં વડાપ્રધાન બનશે એવું નિશ્ચિત હતું.કોંગ્રેસ પ્રમુખ માટે ધારાધોરણો નક્કી કરવામાં આવેલ એ પ્રમાણે પ્રાંતિક સમિતિઓ જે નામ સૂચવે એ પૈકી જે નામ બહુમતી મેળવે એ પ્રમુખપદ ધારણ કરે એવી પરંપરા હતી.આ સમયે ફુલ 15 પ્રાંતિક સમિતિઓ અસ્તિત્વ ધરાવતી હતી.આ પંદર પૈકી 12 પ્રાંતિક સમિતિઓએ નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે અને એ જ રીતે દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે સરદારનું નામ સૂચવ્યું હતું. પરંતુ ગાંધીજીના કહેવાથી આ ત્યાગી અને સમર્પણ ની ઉમદા ભાવના ધરાવનાર સરદાર પટેલે પોતાના હોદ્દાનો ત્યાગ કરી બાપુની ઈચ્છા માન્ય રાખી.જે હોદ્દા માટે વિદેશોની ધરતી પર યુદ્ધ ખેલાય છે,લોહીની નદીઓ વહે છે,એ જ હોદ્દાનો સરળતાથી ત્યાગ કરવામાં આવે છે.વિશ્વમાં આવી ઊંચી ત્યાગમુર્તિ સરદાર પટેલમાં જ જોવા મળે.સરદાર પટેલમાં ગજબની દીર્ઘદ્રષ્ટિ હતી.1948 માં માઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી ક્રાંતિ સફળ થઈ હતી.ચીનમાં સામ્યવાદી સરકાર સ્થપાતાં એશિયામાં સત્તાની સમતુલા બદલાઈ ગઈ.સામ્યવાદી ચીન ભારતને ગમે ત્યારે દગો આપી શકે એવી ધારણા સરદારની નક્કર સાબિત થઈ.સરદારે નહેરુને ચેતવણીસભર લખેલા પત્રમાં નોંધ કરી હતી કે હવે ચીન પહેલા જેવું નથી રહ્યું.ચીનની સામ્યવાદી સેનાને તેટલી દૂર રાખવી ભારત માટે હિતાવત છે.સરદારે વધુમાં પત્રમાં જણાવેલું કે સામ્યવાદી ચીન તિબેટની સ્વતંત્રતાનો પણ નાશ કરી નાખસે. સરદારની દીર્ઘદ્રષ્ટિ કેવી જે મત રજૂ કરતા તે સંપૂર્ણપણે સાચો પડતો હતો જ.સરદાર પટેલમાં નીડરતા ભારોભાર ભરેલી જોવા મળતી હતી.કોઈ પણ જાતના ડર વગર દેશ માટે ધારેલું કામ અચૂક હાથ પર લેતા,ને અથાક પરિશ્રમ દ્રારા તે પૂર્ણ કરવા જીવ રેડી દેતા હતા. ઈ. સ.1724 થી દક્ષિણમાં નિઝામનું રાજય સ્વતંત્ર સ્થાપિત થયું, અને હૈદરાબાદ થી આરંભયેલું રજવાડું વટવૃક્ષ થઈને આઝાદી સમયે પણ દેશના સંગઠનના વિરોધમાં વિરોધી વિચારસરણી લઈને પ્રશ્ન ઉપસ્થિત કરીને ઊભું હતું.સરદારે પ્રેમથી નવાબને સમજાવ્યો કે તમારું રજવાડું ભરાતસંઘ સાથે જોડાય એમાં જ ભલાઈ છે.પણ નવાબ પ્રેમની ભાષા ન સમજ્યો,પરિણામે સરદારના આદેશથી ઓપરશન પોલો ચલાવીને હૈદરાબાદને ભરાતસંઘ સાથે જોડવામાં આવ્યું.સવા બસો વર્ષના નવાબી શાસન દરમિયાન નવાબી રાજાઓને પરાસ્ત કરનાર મરાઠાઓ પણ હતા,તે સમયે સંધી દ્રારા નવાબ બચી જતો અને ફરી વિકસિત થતો.આ નવાબ જો કોઈના સામે બકરી બનીને નતમસ્તક થયો હોય તો તે સરદાર સામે જ.

“ શક્તિ વિનાની શ્રદ્ધાનો કોઈ અર્થ નથી,કોઈપણ મહાન કાર્ય

   પાર પાડવામાં શ્રદ્ધા અને શક્તિ બંનેની આવશ્યકતા છે”                       
                                       
                                      રમેશ ચૌધરી   
                           શિક્ષક(મુખ્ય વિષય:ઇતિહાસ)